ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વડોદરામાં એક મોટી સફળતા મેળવી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે વડોદરામાં વહેલી સવારે એક શંકાસ્પદ ટ્રકને આંતરીને અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
28 હજારથી વધુ દારૂની બોટલ અને ટીન જપ્ત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક મોટા કન્ટેનર/ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા થઈને પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને આ ટ્રકને ઝડપી લીધી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 28,704 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા.
રૂ. 89 લાખથી વધુનો કુલ મુદ્દામાલ
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 64,64,000 થાય છે. આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય રોકડ રકમ મળીને કુલ રૂ. 89,87,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનનો ટ્રક ચાલક જેલ ભેગો, 3 બુટલેગરો ફરાર
SMC એ આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે ટ્રક ચાલક રેખારામ જાટ (રહે. રાજસ્થાન) ની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો ગુજરાતના સ્થાનિક બુટલેગરો સુધી પહોંચાડવાનો હતો.
પોલીસની કાર્યવાહી
આ નેટવર્ક પાછળ સંડોવાયેલા અન્ય 3 અજાણ્યા મોટા બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ દારૂ ક્યાંથી લોડ કરવામાં આવ્યો હતો અને વડોદરા કે, આસપાસના કયા વિસ્તારના બુટલેગરોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMC એ કરેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો -