વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં અસામાજિક તત્વો અને તસ્કરો બેફામ બન્યા છે. શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ, તસ્કરોએ સાધલી ગામમાં આવેલી એક સેલ્ફ-ફાઇનાન્સ શાળાને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી છે. સાધલી-ઉતરાજ મેઇન ધોરીમાર્ગ પર આવેલી મનન વિદ્યાલયમાં ગત રાત્રે 1 વાગ્યાને 9 મિનિટે તસ્કરો ત્રાટક્યા હતા. ત્રણ જેટલા તસ્કરોએ શાળાની એકાઉન્ટ ઓફિસને નિશાન બનાવી હતી અને ડ્રોવરમાં રાખેલા રૂ. 4,37,000/- (ચાર લાખ સાડત્રીસ હજાર) ની રોકડ રકમની ચોરી કરી હતી. આ રકમ વિદ્યાર્થીઓની શિક્ષણ ફી, યુનિફોર્મ વગેરેના હતા.


મનન વિદ્યાલયમાં તસ્કરો ત્રાટક્યા

તસ્કરોએ ચોરીનો અંજામ આપતી વખતે ઓફિસમાં લાઈટો સળગાવી રાખી હતી અને જાણે કે તેમને પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેખોફ રીતે ચોરીને પાર પાડી હતી. નવાઈની વાત એ છે કે, તસ્કરોએ ઓફિસમાં રહેલા મોબાઇલ અને લેપટોપને રહેવા દીધા હતા અને માત્ર રોકડ રકમ જ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

શિનોર પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરીમાં વધારો

છેલ્લા દોઢ મહિનાના આંકડા જોતાં શિનોર પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું હોવાનું દેખાઈ આવે છે. રૂ. 30 લાખની છેતરપિંડીનો કેસ રૂ. 7 લાખની ફેસબુક ફ્રેન્ડ દ્વારા છેતરપિંડી, રૂ. 6 લાખના MGVCLના વીજ વાયરની ચોરી, ગત રાત્રે મનન વિદ્યાલયમાંથી રૂ. 4.37 લાખની ચોરી આ ગંભીર ગુનાઓની હારમાળા જોતાં સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા છે કે તસ્કરો અને અસામાજિક તત્વોને શિનોર પોલીસનો જાણે કોઈ ડર રહ્યો નથી, અને ગુનેગારો ખુલ્લેઆમ કાયદાને પડકાર આપી રહ્યા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 



  • Follow us on: