વડોદરા જિલ્લાના રાજકારણમાં ચૂંટણી પહેલા નેતાઓના પક્ષાંતરનો ખેલ ગરમાયો છે. સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે માત્ર 24 કલાકમાં જ પક્ષ બદલીને રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. ગઈકાલે ભાજપને 'ઝીરો' ગણાવનાર નેતાનો આજે અચાનક 'અંતરાત્મા' જાગ્યો છે અને ફરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
24 કલાકમાં બદલાયા સૂર
માત્ર એક દિવસ પહેલા કિરણસિંહ રાઠોડે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તે સમયે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા નિવેદન આપ્યું હતું કે"ભાજપ વિકાસના નામે શૂન્ય છે."ભાજપ હવે ભરોસાની પાર્ટી રહી નથી."પરંતુ, આ નિવેદનના 24 કલાક વીતે તે પહેલા જ તેમના વિચારોમાં પલટો આવ્યો છે. આજે ફરી ભાજપમાં જોડાયા બાદ તેમણે જૂના નિવેદનથી તદ્દન ઉલટી વાત કરતા જણાવ્યું કે, તેમને "ટ્રિપલ એન્જિન સરકાર" પર સંપૂર્ણ ભરોસો છે.
