વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં શાકભાજી રાખવાના અને ધોવાના ગંભીર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ માર્કેટમાં જ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની કચેરી આવેલી છે, છતાં શૌચાલયમાં જ શાકભાજી રાખવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે ચકચાર મચી ગઈ હતી.


વીડિયો વાયરલ બાદ તુરંત પગલાં

ગત રોજ ખંડેરાવ શાક માર્કેટના સુલભ શૌચાલયની અંદર શાકભાજીનો જથ્થો મૂકાયો હોવાનો અને કેટલાક વેપારીઓ દ્વારા શૌચાલયમાં જ શાકભાજી ધોવાની ફરિયાદ મળી હતી. આ મામલાનો વીડિયો વાયરલ થતાં જ VMCનું તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક પગલાં લેતા માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટે સુલભ શૌચાલયને તુરંત સીલ મારી દીધું હતું, જે આજે પણ સીલ મારેલી હાલતમાં છે.

 વેપારી અને સંચાલકને નોટિસ

કોર્પોરેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને શૌચાલયમાંથી મળી આવેલા શાકભાજીના જથ્થાનો નાશ કર્યો હતો. આ સાથે જ, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ સુલભ શૌચાલયના સંચાલક અને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા વેપારી સામે VMC દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, આ રીતે કેટલા સમયથી શૌચાલયનો ઉપયોગ શાકભાજી રાખવા માટે થતો હતો તે એક મોટો સવાલ છે. VMCએ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા વેપારીઓ સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદે કૃત્યો અટકાવી શકાય. ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વેપારીઓ સામે લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

  • Follow us on: