વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાય છે. શહેરના મકરપુરા જીઆઈડીસી (GIDC) કોલોની વિસ્તારમાં વહેલી સવારે જૂની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક બાઈકમાં ભારે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


મકરપુરામાં જૂની અદાવતમાં બાઈકમાં તોડફોડ

મળતી માહિતી મુજબ, મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં રહેતા અતુલ પટેલના ઘર પાસે આ બનાવ બન્યો હતો. વહેલી સવારે જ્યારે ઘરના સભ્યો ઊંઘમાં હતા અને ઘર બંધ હતું, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો હાથમાં મોટી ઈંટો લઈને ધસી આવ્યા હતા. આ શખ્સોએ પાર્ક કરેલા ઓલા (Ola) ઈલેક્ટ્રિક બાઈક પર આડેધડ ઈંટોના ઘા મારી તેને નુકસાન પહોંચાડ્યું હતું.

જૂની અદાવત અને આક્ષેપો

બાઈકના માલિક અતુલ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આ હુમલો જૂની અદાવતને કારણે કરવામાં આવ્યો છે. તેમણે વિપુલ નામના વ્યક્તિ પર આ તોડફોડ કરાવવાનો આરોપ લગાવ્યો છે. અતુલ પટેલે જણાવ્યું કે, "હુમલાખોરો ખરેખર તો મારી મોટી ગાડી (ફોર વ્હીલર) તોડવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ તે સમયે ગાડી ત્યાં હાજર ન હોવાથી તેમણે ગુસ્સામાં આવીને મારા ઓલા બાઈકને નિશાન બનાવ્યું હતું."

CCTVમાં કેદ થયો લુખ્ખાગીરીનો નજારો

આ હુમલાખોરોની કરતૂત વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં ત્રણ શખ્સો ઈંટો વડે બાઈક પર પ્રહાર કરતા નજરે પડે છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઘટના બાદ અતુલ પટેલે તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અને અતુલ પટેલના નિવેદનને ધ્યાનમાં રાખીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, ભોગ બનનારના શરીરમાંથી ગોળી કાઢવામાં આવી

  • Follow us on: