વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોલ ગામે ઉત્તરાયણની રાત્રીએ થયેલા લોહિયાળ હુમલાએ આજે ભયાનક વળાંક લીધો છે. માથાના ભાગે પરાઈ (લોખંડનો સળિયો) ના ઘા ઝીંકી કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 33 વર્ષીય યુવકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ શિનોર પોલીસે અગાઉ નોંધાયેલા ગુનાને હવે હત્યાની કલમ હેઠળ પરિવર્તિત કરી તપાસ તેજ કરી છે.
ઉત્તરાયણની રાત્રીએ થયેલા લોહિયાળ હુમલો
ઘટનાની વિગત મુજબ, માંજરોલ ગામે જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડીયા (ઉં. ૩૩) ગત ૧૪ જાન્યુઆરીની મોડી રાત્રીએ પોતાના ઘરમાં સૂતા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડીયા નામના શખ્સે ઘરમાં ઘૂસીને વિજયના માથામાં પરાઈ વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિજયને તાત્કાલિક મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો, જ્યાંથી તેની ગંભીર સ્થિતિ જોતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.










