વડોદરા શહેરમાં ગેસ પુરવઠાની ગંભીર અછત સર્જાતા જનજીવન અને વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી છે. ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના બજારોમાં દેખાઈ રહી છે, જેના કારણે વડોદરામાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે અને અનેક જાણીતી રેસ્ટોરેન્ટ્સ બંધ કરવાની નોબત આવી છે.
રેસ્ટોરેન્ટ સંચાલકોની હાલત કફોડી
શહેરના કારેલીબાગ અને સ્ટેશન વિસ્તારમાં ગેસની અછતને કારણે રેસ્ટોરેન્ટ્સના પાટિયા પડવાના શરૂ થઈ ગયા છે. કારેલીબાગની પ્રસિદ્ધ 'બાલાજી સાઉથ' રેસ્ટોરેન્ટને ગેસના અભાવે તાળા મારવા પડ્યા છે. અનેક સંચાલકો પાસે માત્ર ૨ થી ૩ કિલો જેટલો જ ગેસનો જથ્થો બચ્યો છે, જેને કારણે આગામી દિવસોમાં વધુ હોટલ-રેસ્ટોરેન્ટ્સ બંધ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
કાળઝાળ ગરમીમાં નાગરિકોની કતારો
બીજી તરફ ઘરગથ્થુ ગેસ માટે પણ સ્થિતિ વણસી છે. વહેલી સવારના ૮ વાગ્યાથી ૫૦૦થી વધુ લોકો ગેસ એજન્સીઓ પર લાઈનો લગાવી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં સિલિન્ડર મળશે કે નહીં તે અંગે નાગરિકો દ્વિધામાં છે. લાઈનમાં ઊભેલી એક મહિલા ગરમીને કારણે અચાનક ચક્કર ખાઈને જમીન પર પટકાઈ હતી, જેને અન્ય લોકોએ પાણી છાંટી ભાનમાં લાવી હતી.
રોષે ભરાયેલા નાગરિકોના આક્ષેપો
લોકોનો આક્ષેપ છે કે ઓનલાઈન બોટલ નોંધાવ્યા બાદ પણ સમયસર ડિલિવરી મળતી નથી, જેના કારણે નોકરી-ધંધા છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. લાંબી કતારો અને અજંપાભરી સ્થિતિને કારણે લાઈનોમાં લોકો વચ્ચે ઝઘડા પણ થઈ રહ્યા છે. ઈઝરાયેલ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ પુરવઠામાં વિક્ષેપ પડતા સ્થાનિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Ahmedabd: રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરોને છેતરતો મહાઠગ ઝડપાયો, 3 વર્ષમાં 500થી વધુ ટિકિટો પધરાવી