વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વર્ષોથી વસવાટ કરતા નર્મદા નિગમના અસરગ્રસ્તો માટે વિકાસના કામો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે. રોડ, રસ્તા, લાઈટ અને પાણી જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહેલા રાજનગર અને ખેરવાડી વસાહતના સેંકડો લોકોએ આજે એકઠા થઈ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રૂબરૂ બોલાવી પોતાની વેદના ઠાલવી હતી.


વિકાસના નામે 'બાઈ બાઈ ચાયણી' જેવો ઘાટ

નર્મદા યોજના માટે જમીન આપનારા અસરગ્રસ્તોને આશા હતી કે નવી વસાહતોમાં તેમને તમામ સુવિધાઓ મળશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજનગર નર્મદા વસાહત ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર કે નર્મદા નિગમ દ્વારા અહીં કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ખાસ કરીને ચોમાસામાં અવરજવર કરવી મુશ્કેલ બને છે.મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડે છે. સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે અહીં શૌચાલયોની હાલત અત્યંત દયનીય છે.

પોતાના સરપંચ હોવા છતાં વસાહત સુવિધા વિહોણી

ચર્ચાનો વિષય એ રહ્યો હતો કે ખેરવાડી ગ્રામ પંચાયતના સરપંચ પોતે નર્મદા વસાહતના રીંગલા ભાઈ છે, તેમ છતાં ખેરવાડી વસાહત વિકાસના કામોથી વંચિત છે. સ્થાનિકોએ ધારાસભ્ય સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે જો સત્તામાં પોતાના પ્રતિનિધિ હોય છતાં કામ ન થતા હોય, તો સામાન્ય જનતાએ ક્યાં જવું?

પરંપરાગત સ્વાગત અને રજૂઆત

વસાહતમાં પધારેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ નૃત્યના તાલે સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ લોકોએ તેમને વસાહતના ખૂણે-ખૂણે ફેરવીને ખરાબ રસ્તા અને ગંદકીની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. લોકોએ માંગ કરી છે કે જો ટૂંક સમયમાં રોડ, પાણી અને શૌચાલયના કામો શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ધારાસભ્યનું આશ્વાસન

લોકોની રજૂઆત સાંભળ્યા બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નર્મદા નિગમના અધિકારીઓ અને સરકારમાં આ બાબતે ત્વરિત રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: નેશનલ STEM ક્વિઝ 4.0, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ રચશે ઇતિહાસ, 2 કરોડની સ્કોલરશિપ જીતવાની સુવર્ણ તક

  • Follow us on: