વડોદરા RTO કચેરીમાં આજે બપોરે અચાનક બોમ્બનો ફફડાટ ફેલાયો હતો. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે કચેરીને 'ઝેરી બોમ્બ' થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. અગાઉ અમદાવાદમાં પણ આ પ્રકારની ધમકીઓ મળી ચુકી છે, ત્યારે હવે વડોદરામાં આ ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

બપોરના સમયે મળ્યો ધમકીભર્યો મેઈલ

મળતી માહિતી મુજબ, RTO ના સત્તાવાર ઈમેલ આઈડી પર એક સંદેશો મળ્યો હતો જેમાં લખ્યું હતું કે બપોરના સમયે કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેઈલ જોતા જ અધિકારીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સાવચેતીના ભાગરૂપે, કચેરીમાં હાજર રહેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સેંકડો અરજદારોને તાત્કાલિક બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ અને BDDS ટીમ એક્શનમાં

ધમકીની જાણ થતા જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર RTO કચેરીના ખૂણેખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ બેગ અને પાર્કિંગમાં ઉભેલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે. હાલમાં કચેરીના તમામ પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

સાયબર ક્રાઈમ દ્વારા તપાસ

પોલીસ કમિશનરના આદેશથી સાયબર ક્રાઈમની ટીમ પણ આ મામલે સક્રિય થઈ છે. જે ઈમેલ આઈડી પરથી ધમકી આપવામાં આવી છે તેનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની મજાક (Hoax) હોઈ શકે છે, પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.

આ પણ વાંચો: Ahmedabad: અશાંતધારાનો અમલ હવે ડંકાની ચોંટે થશે, પાલડીમાં ઉમેદવારની પસંદગી બાદ ભાજપ ધારાસભ્યનો કોંગ્રેસ પર આકરો પ્રહાર