હજૂ તો ભારે વરસાદ પડયો નથી ત્યાં જ શહેરના સમા - સાવલી રોડ અને તાંદલજા વિસ્તારમાં એમ બે જગ્યાએ રોડ પર ભૂવા પડયા હતાં. જેથી વાહન વ્યવહાર પ્રભાવીત થયો હતો.
આમ તો શહેરમાં બારેમાસ ભૂવા પડતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન જાણે ભૂવાની સિઝન ખીલી જતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને તેમાં રોડ, પાણી, ડ્રેનેજ વિભાગ દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોય છે. હલકી કક્ષાની કરાયેલી કામગીરી આ સિઝનમાં ખુલીને બહાર આવતી હોય છે. હજૂ તો સામાન્ય વરસાદ જ પડયો છે ત્યાં તો શહેરમાં બે ઠેકાણે રોડ પર ભૂવા પડયા હોવાની માહિતી બહાર આવી છે.
શહેરના સમા - સાવલી રોડ પર લાડલી પાર્ટી પ્લોટ પાસે રોડ પર મસમોટો ભૂવો પડયો હતો, પરંતુ આ ભૂવાનુ કોર્પોરેશનના તંત્રએ પુરાણ કર્યુ ન હતુ. જોકે, રસ્તા પર પડેલો આ ભૂવો અકસ્માતને ખુલ્લુ આમંત્રણ આપતો હોઈ જાગૃત નાગરિકોએ ઝાડના ડાળખાં નાખીને વાહનચાલકો અને રાહદારીઓને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્પોરેશનનુ તંત્ર તો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેસી રહ્યું હતું. આ મસમોટા ભૂવાના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી. તેમજ વરસાદ પડશે ત્યાં કાદવ- કીચડ સર્જાયો હતો.
આવી જ રીતે, તાંદલજા વિસ્તારમાં આવેલ સીફા કોમ્પલેક્ષ પાસે રોડ પર મોટો ભૂવો પડયો હતો. જોકે, કોર્પોરેશને ત્યાં પણ મરામતની કામગીરી કરી ન હતી. જ્યાં થોડાક સમય પહેલાં જ કોઈ કંપની દ્વારા ખોદકામની કામગીરી થઈ હતી. પરંતુ તે સમયે યોગ્ય રીતે પુરાણ નહીં કરાતા આ ભૂવો પડયો હોવાનો રહીશોનો આક્ષેપ છે. આ ભૂવાના કારણે સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યાં છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રા ત્યજીને હજૂ એક્ટિવ થયુ નથી. હજૂ તો સામાન્ય વરસાદ પડયો છે અને આ ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે ત્યારે ભારે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો શહેરના રસ્તાઓની હાલત શું થશે ? તે વિચારવુ જ રહ્યું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો