પાદરા ખાતે રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડતા સરદાર પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાનાને ઉમરાયા ગામ સ્થિત આક્રોમા ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા કંપનીના CSR કાર્યક્રમ અંતર્ગત લાખો રૂપિયાની કિંમતના બે અત્યાંધુનિક તબીબી મશીનો નિઃશુલ્ક ભેટ અપાયા હતા. જે પ્રસંગે કંપનીના એચ.આર. હેડ હેમંત પટેલ, ફેસિલિટી મેનેજર કૃતિકા ગાંધી તથા સીએસઆર પ્રતિનિધિ ગીતા રાઠવા દ્વારા રિબન કાપી મશીનોનું લોકાર્પણ કરાયું હતું.
દવાખાનાને ભેટ સ્વરૂપે આપેલા સાધનોમાં મોતિયાના ઓપરેશન માટે ઉપયોગી અત્યાધુનિક ફેકો (Phaco) મશીન તેમજ કિયુસ્ક હેલ્થ મશીનનો સમાવેશ થાય છે. કિયુસ્ક હેલ્થ મશીન દ્વારા શરીરના વિવિધ પરિમાણોના અંદાજે 65 પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટ મેળવી શકાશે. જેના કારણે દર્દીઓને પ્રાથમિક આરોગ્ય તપાસથી લઈને વિવિધ ટેસ્ટ માટે એક જ સ્થળે સુવિધા ઉપલબ્ધ બનશે. હવે ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ દર્દીનું ઝડપી અને વધુ ચોકસાઈપૂર્વક નિદાન શક્ય બનશે. ખાસ કરીને આંખના દર્દીઓ માટે ફેકો મશીન આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યારે કિયુસ્ક હેલ્થ મશીન દ્વારા સામાન્ય જનતાને આરોગ્ય સંબંધિત વિવિધ તપાસ રાહતદરે અને સરળતાથી મળી શકશે તેમ કંપની એચ આર હેડ હેમંત પટેલ અને ફેસીલીટી મેનેજર કૃતિકા ગાંધીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ ઠક્કર, ઉપપ્રમુખ ગજેન્દ્ર પાઠક સહિત ટ્રસ્ટના યશવંત પટેલ ઈલીઝીયમવાળા, મુકેશ ઠક્કર, પ્રદીપ ગાંધી, સૂર્યકાંત ચોકસી, મહેન્દ્ર શાહ, સહિત દવાખાનામાં રાહતદરે સેવા આપતા તબીબો અને સ્ટાફ્ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આક્રોમા ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા કરયેલી સેવાકીય પહેલને બિરદાવી કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.










