શિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામ પંચાયતની હદમાં નમી ગયેલા અને પડી ગયેલા ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની હરાજીનું આયોજન કરાયું હતું. પરંતુ હાલમાં ચોમાસુ હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય ન હોવાનું હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ દ્વારા રજૂઆત કરાતાં અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો.
અવાખલ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં નમી ગયેલા અને પડી ગયેલા 45 નંગ ગાડા બાવળના વૃક્ષોના લાકડાની રૂા.1,10,510 અપસેટ વેલ્યુ નક્કી કરી તા. 9 જુલાઈ-26ને ગુરુવારના રોજ અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 11 કલાકે સરપંચ, ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્ય અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર હરાજીનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 28 જેટલા વેપારીએ ભાગ લીધો હતો. જો કે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ રજૂઆત કરી હતી કે, હાલમાં ચોમાસુ હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શકય નથી. વેપારીઓની રજૂઆત ને ધ્યાનમાં રાખીને અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો. જે અંગે અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ હરાજી સ્થગિત રાખવામાં આવી છે. આગામી સમયમાં મામલતદારની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ નક્કી કરીને ફરીથી હરાજીનું આયોજન કરાશે. જો કે સમગ્ર મામલે એક મહત્વનો સવાલ પણ ઉભો થયો છે. જ્યારે ચોમાસા દરમિયાન વૃક્ષોની કાપણી અને લાકડાનો ઉપાડ મુશ્કેલ બને છે તે બાબત સૌ કોઈ જાણે છે, ત્યારે આ પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત દ્વારા હરાજીનું આયોજન કેમ કરાયું ? તે અંગે સ્થાનિકોમાં ચર્ચા સાથે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
