હવામાન વિભાગ દ્વારા લૉ-ડિપ્રેશન અને ભારે વરસાદની આગાહીને પગલે ડેસર તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર ગુરુવારે અને શુક્રવારે એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, મામલતદાર કચેરી તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તૈયારી પૂર્ણ કરાઇ હતી.

બચાવ કામગીરી માટે બોટ, લાઇફ્ જેકેટ સહિતના જરૂરી સાધનો સ્ટેન્ડબાય રાખ્યાં હતા. ઉપરાંત તમામ રેસ્ક્યૂ ટીમોને ઇમરજન્સી પરિસ્થિતિ માટે તૈયાર રખાઇ હતી. નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાં પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળાં, પાણી ભરાયેલા વિસ્તારો તથા જોખમી સ્થળોએ ન જવા વારંવાર અપીલ કરાઇ હતી. ડેસર તાલુકાના નદીકાંઠાના ગામોને વિશેષ સાવચેત રહેવા સૂચના અપાઇ હતી. સાથે જ તમામ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રી, સરપંચ અને ગ્રામ સેવકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઇ હતી.

ડેસર તાલુકામાં સવારે 6 વાગ્યા સુધી તાલુકામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ મોસમનો કુલ વરસાદ 339 મીમી પર પહોંચ્યો છે. તંત્ર દ્વારા આગામી સૂચના સુધી રેડ એલર્ટ યથાવત્ રાખવાની માહિતી અપાઇ હતી. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ, શનિવાર, 1 ઓગસ્ટના રોજ પણ જિલ્લાની શાળા, કોલેજો, ITI સહિત તમામ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો