શહેરના દાંડિયાબજાર સ્થિત પ્રેમાનંદ સાહિત્ય સભા ખાતે કવિતાભીની સાંજે દેશભક્તિ ગીત, ગઝલ, કવિતા, અછાંદસની પાદપૂર્તિ સ્પર્ધા સમાજસેવક શંકરલાલ ત્રિવેદીની અધ્યક્ષતામાં તથા જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરાના સંસ્થાપક હરીશ શાહ અને કવિ દુર્ગેશ ઉપાધ્યાયના અતિથિ વિશેષપદે યોજાઈ હતી. પ્રારંભમાં સૌ. માધુરી ગોપૂજકરની સરસ્વતી વંદના બાદ મહામંત્રી મહેશ બ્રહ્મભટ્ટે આવકાર પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો. તે પછી અધ્યક્ષ, તથા અતિથિ વિશેષોને પુષ્પગુચ્છ અર્પી તેઓને સન્માન્યા હતા. એ પછી કવયિત્રી અલ્પા ભટ્ટના કાવ્યમય સંચાલનમાં ત્રણ પંક્તિઓ ઉપરથી 32 કવિ-કવયિત્રીઓએ સ્વરચિત કૃતિઓ પ્રસ્તુત કરી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં હરીશ શાહે પ્રેમાનંદની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી, જ્યારે દુર્ગેશ ઉપાધ્યાયે દેશદાઝની જ્યોત સદૈવ ઝળહળ રાખવા હાકલ કરી હતી. અધ્યક્ષસ્થાનેથી બોલતાં શંકરલાલ ત્રિવેદીએ જૂનાં સંસ્મરણો વાગોળીને સૌ ભારતીયોને ઐક્ય સાધવા હિમાયત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર રિદ્ધિ પરમારને દ્વિતીય પુરસ્કાર તારક મહેતાને તૃતીય ઇનામ માલિની ત્રિવેદી પાઠકને જ્યારે પ્રોત્સાહન પુરસ્કાર ભૌતિક બ્રહ્મભટ્ટને અને આશ્વાસન ઇનામ સરલા સુતરિયાને પ્રાપ્ત થયાં હતાં. નિર્ણાયકો તરીકે ડો. દિના શાહ અને જૈમિન ઠક્કરની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. વિજેતાઓને મંચસ્થો દ્વારા પુરસ્કૃત કરાયાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો