હાલોલ તાલુકાના તાજપુરા ખાતેના વિરાટ નારાયણ વન ખાતે પૂ.નારાયણ બાપુના આશીર્વાદથી આવતીકાલે તા.25 જુલાઈથી આગામી તા.20 નવેમ્બર એટલે કે દેવશયની એકાદશીથી દેવઉઠી અગિયારસ સુધી પવિત્ર ચાતુર્માસ દરમ્યાન રોજ 108થી વધુ વૃક્ષારોપણ અને નિત્ય વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવાનો દિવ્ય દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.

આ સંકલ્પ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ પ્રકૃતિ, પ્રાણી, પક્ષી, ગૌસેવા અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનો હરિત યજ્ઞ છે. આજે વિરાટ નારાયણ વનમાં 50 હજારથી વધુ વૃક્ષો અને 100થી વધુ સ્વદેશી પ્રજાતિઓ દેશી ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા રસાયણમુક્ત રીતે વિકસાવાઈ રહી છે.આ ચાતુર્માસ દરમિયાન વિરાટ નારાયણ વનમાં નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો સામૂહિક પાઠ પણ કરાશે. જેથી સમગ્ર વનમાં સાત્વિક ચૈતન્ય, આધ્યાત્મિક ઊર્જા અને દિવ્ય સ્પંદનો સતત પ્રગટ રહે તેમજ વિશ્વને શાંતિ, પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ મળે. વિરાટ નારાયણ વનના વિકાસમાં સંયોજક અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, જયંતીભાઈ પંચાલ, સુનિલભાઈ શાહ તથા સમગ્ર નારાયણ પરિવારનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.