પાદરા શહેરના પ્રખ્યાત સંતરામ મંદિરે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરાઇ હતી. મંદિર પરિસરમાં 11,111 દીવડા પ્રગટાવી દિવ્ય દીપમાળા રચાઇ હતી. હજારો દીવડાના ઝગમગાટથી મંદિરનો સમગ્ર પરિસર અલૌકિક રોશનીથી ઝળહળી ઊઠયો હતો. મંદિરના મહંત મોહનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું. દર વર્ષની પરંપરા મુજબ ઘી અને તેલના દીવડાઓ પ્રગટાવી દેવ દિવાળીનો ઉત્સવ ભક્તિ ભાવપૂર્વક ઉજવ્યો હતો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પ્રભાતફેરી અને અખંડ જ્યોતનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. આ ઉપરાંત ભગવાનને વિવિધ પ્રકારના અન્નકૂટના ભોગ ધરાવવામાં આવ્યા હતા. સાંજના સમયે મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરના ખૂણે ખૂણે 11,111 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવતાં અદભુત દીપોત્સવી નજારો સર્જાયો હતો. સાથે જ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં રંગબેરંગી આતશબાજી અને મંદિર પરિસરમાં ઝળહળતી દીપમાળાઓએ ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અલૌકિક નજારો નિહાળવા પાદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો અને નગરજનો મંદિર ખાતે ઉમટી પડયા હતા. આ પ્રસંગે પાદરા રંગ અવધૂત પરિવારના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, મુકેશભાઈ ઠક્કર, હિતેશભાઈ પટેલ (મારુતિ સિરામિક), પુનીત પલ્સ મિલના અરવિંદભાઈ ઠક્કર, માજી પ્રમુખ પરેશ ગાંધી, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશ ગાંધી, ગિરીશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય મહારાજના ગગનભેદી જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. દેવ દિવાળીની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો