દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદીમાં પાણીનુ સ્તર વધ્યુ હતુ. તેમજ વરસાદ પણ પડતા વાઘોડિયામાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. જેમાં પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંકુલમાં પણ પાણી ભરાયા હતા. કોલેજની સામે જ લક્ષ્મી હોસ્ટેલ આવેલી છે. જ્યાં પણ ગઈ મોડી રાતે પાણી ભરાઈ જતા ત્યાં રહેતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં. જે બાબતની જાણ થતા મામલતદારે તુરંત વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસે ભેગા મળીને ત્યાં રેસ્કયૂ કામગીરી હાથ ધરી હતી. મળસ્કે 3 કલાકના અરસામાં હાથ ધરાયેલા રેસ્ક્યૂ દરમિયાન 100 વિદ્યાર્થિનીઓ, 50 વિદ્યાર્થીઓ મળીને 150 જેટલા વિદ્યાર્થીઓને સહીસલામત રીતે બહાર કાઢયા હતા. તેમજ ત્યાં 10 જેટલા મજૂરો પણ ફસાઈ ગયા હતા. તેમને પણ બહાર કાઢયા હતાં. જે તમામને શહેરને અડીને આવેલી આજવા ચોકડી પાસે આવેલ લક્ષ્મી સ્ટૂડીયો ખાતે શિફ્ટ કરાયા હતાં.
