શહેરની એમ.એસ.યુનિવર્સિટીના 75માં દીક્ષાંત સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 12,306 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની ડિગ્રી એનાયત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર કન્યા કેળવણીનો દબદબો જોવા મળ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કુલ પદવી મેળવનારાઓમાં 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે. આમ, ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ સરસાઈ મેળવી છે.

ધી મહારાજા સયાજીરાવ યુનિ.માં 23 સપ્ટેમ્બરના રોજ 75મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાજરી આપનાર છે. આ વખતના દીક્ષાંત સમારોહમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર ગોલ્ડ મેડલના વિતરણમાં જોવા મળશે. આ વર્ષે ગોલ્ડ મેડલની સંખ્યામાં અડધાથી પણ વધુનો ઘટાડો થવાની સંભાવના છે. ગત દીક્ષાંત સમારોહમાં કુલ 354 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે આ આંકડો ઘણો નીચો જશે. જેમાં ચાર વર્ષીય ડિગ્રી ફોર્મેટ બન્યું મુખ્ય કારણ આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ છે. જેમાં NEP મુજબ અંડરગ્રેજ્યુએટ (UG)અભ્યાસક્રમમાં થયેલો માળખાકીય બદલાવ છે. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના બદલે ચાર વર્ષીય ઓનર્સ ડિગ્રી ફોર્મેટ અમલી બનતાં, પરંપરાગત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા પ્રવાહમાં ત્રીજા વર્ષ (TY) બાદ સીધા ગોલ્ડ મેડલ આપવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ ચોથું વર્ષ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરશે, તેમને જ આગામી વર્ષે યુજી કક્ષાના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

પરિણામે, આ વર્ષે દીક્ષાંત સમારોહમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ (માસ્ટર્સ ડિગ્રી) તથા ટૅકનોલોજી, મેડિકલ, ફાઈન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જેવા પ્રોફેશનલ અને ચાર વર્ષના અભ્યાસક્રમો ધરાવતી ફેકલ્ટીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને જ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સામાન્ય સ્નાતક કક્ષાના મેડલ મોકૂફ્ રહેતાં આ વર્ષે દીક્ષાંત મંચ પરથી અપાતા મેડલની ચમક અડધી થઈ જશે. બીજી તરફ, આ વર્ષે ડિગ્રી મેળવનાર 12,306 પૈકી 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે.MSUમાં દીક્ષાંત સમારોહમાં 6 વર્ષ બાદ ફરી એક વાર ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ હાજરી આપનાર છે. જેને લઈને રાષ્ટ્રપતિના પ્રોટકોલ સહિત હેડ ઓફિસ પાછળ કૉન્વોકેશન ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો