વડોદરા મહાનગર પાલિકા અને વુડા દ્વારા સંયુક્ત રીતે 75 મીટરના રિંગરોડનું કામ કરાઈ રહ્યું છે. જેમાં ફેઝ-1માં 27 કિલોમીટરનું કામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ સેવાસી પાસે ધારાસભ્યની જમીન સંપાદન કરવાના મુદ્દે કોકડું ગુંચવાયું છે. બીજી તરફ ફેઝ-2માં લગભગ રૂા. 400 કરોડ ઉપરાંતના ખર્ચે રિંગ રોડની કામગીરી કરાશે. જેનો વર્કઓર્ડર અપાતા આગામી ડિસેમ્બર મહિનાથી તેનું કામ શરૂ થશે. પણ, નાગરિકોને વર્ષ 2029માં ફેઝ-2ના રિંગ રોડનો વાપર ઉપયોગ કરવા મળશે. મ્યુનિ.કોર્પોરેશન અને વુડા દ્વારા શહેરની ફરતે 75 મીટરના રિંગ રોડ બનાવાઈ રહ્યો છે. બે ફેઝમાં રિંગરોડની કામગીરી થઈ રહી છે. હવે, ફેઝ-1માં અંકોડિયાથી સેવાસી ડી કેથલોન, સમિયાલા, બીલ અને ચાપડ સુધી કામ થવાનું છે. જ્યારે ફેઝ-2માં વડોદરા આજવા સ્ટેટ હાઈવેથી વડોદરા - ડભોઈ સ્ટેટ હાઈવે સુધી કામ થશે. હવે, ફેઝ-1માં વુડાએ 100 ટકા પજેશન લઈ લેતાં 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સેવાસી પાસે કામગીરી અટકી છે. જે જમીન સંપાદનની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને કરવાની છે. પણ, ધારાસભ્યનું ફાર્મ હોવાથી કોકડું ગુંચવાયું છે. ધારાસભ્ય સાથે મ્યુનિ.કોર્પોરેશને જમીન સંપાદન બાબતે ચર્ચા પણ કરી હતી, પરંતુ તેઓ VMCપાસે પહેલા ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવે, તેવી માંગણી કરી રહ્યાં છે. હવે, ધારાસભ્યનની જમીનની પાછળના ભાગે પણ જમીન છે, પરંતુ તેના માલિક અમેરિકા રહે છે. હવે, ધારાસભ્યને તેમાં ફાઈનલ પ્લોટ ફાળવી દે તો પાછળથી કકળાટ ઉભો થાય, તેવી શક્યતાઓ છે. એટલે, કોર્પોરેશન દ્વારા રિંગરોડનું કામ પહેલી તકે પૂર્ણ થાય તે માટે અમેરિકા ખાતે રહેતાં જમીન માલિકનો પણ સંપર્ક કરી વડોદરા આવવા જણાવ્યું છે. તેઓ આવ્યા બાદ રિંગરોડનું ભવિષ્ય નક્કી થઈ શકે છે. આજ રીતે સેવાસીના ખેડૂતોના પણ પ્રશ્નો હતા, જેનુંVMC એ નિરાકરાણ લાવી વુડાને જમીન સુપ્રત કરી હતી. જ્યાં કામગીરી શરૂ કરી દેવાતા એક મહિનામાં રોડ પણ બનીને તૈયાર થઈ જશે. હવે, ધારાસભ્યની જગ્યા સંપાદિત થાય તો વાહન ચાલકોને દોઢ - બે મહિનામાં જ દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વેની પણ કનેક્ટિવીટી મળી જાય. ટૂંકમાં જમીન સંપાદન કરવામાં જેટલું મોડું થશે, તેટલું રિંગ રોડનું કામ અટવાશે. નોંધનીય છે કે, ફેઝ-1માં રિંગ રોડનું કામ રૂા. 317 કરોડના ખર્ચે થનાર છે. જ્યારે ફેઝ-2ની કામગીરી હજૂ શરૂ થઈ નથી. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં દિવાળીમાં જ ઈજારદારને વર્ક ઓર્ડર અપાયો છે. એટલે, ડિસેમ્બર મહિનાથી કામગીરી શરૂ થશે. ફેઝ-2ની કામગીરી બાદ વડોદરા - હોલોલ રોડથી સીધા વરણામાં ત્રિ-મંદિર પાસે પહોંચી શકાશે. આમ, તો ફેઝ-2માં માત્ર 17 કિલોમીટરનું જ કામ છે, પરંતુ તેમાં ચાર બ્રીજ બનશે. જેમાં રતનપુર પાસે રેલવે ઓવર બ્રીજ, વડોદરા - વાઘોડિયા રોડ પર ઓવર બ્રીજ અને વડોદરા - આજવા રોડ પર ઓવર બ્રીજ અને જામ્બુવા નદી ઉપર બ્રીજનો સમાવેશ થાય છે. તેમજ આમલિયારા પાસે મેજર કેનાલ ક્રોસિંગ છે. જેના કારણે ફેઝ-1 કરતાં ફેઝ-2માં રિંગ રોડ પાછળ રૂા. 400 કરોડ ઉપરાંતનો ખર્ચ થશે. ફેઝ-2ની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરાશે. એટલે, વર્ષ 2029 સુધીમાં વાહન ચાલકોને ફેઝ-2ના રિંગ રોડનો વાપર ઉપયોગ કરવા મળશે. મહત્વની વાત એ છે કે, અમદાવાદ શહેરમાં અનેક રિંગ રોડ બની ગયા છે. જ્યારે વડોદરામાં એક રિંગ રોડ બનાવવા તંત્રના નાકે દમ આવી ગયો છે.
