પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી અને લોકઉપયોગી ઠરાવો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા. પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઇલાબેન જોશી તથા કારોબારી સમિતિના ચેરમેન સંતોષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.બેઠકમાં એજન્ડાના 61 તથા પુરવણી એજન્ડાના 24 મળી કુલ 85 ઠરાવોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. જે નગરના વિકાસને વેગ આપશે. સભાની શરૂઆતમાં એક વર્ષ પૂર્વે બનેલી ગંભીરા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલ 22 નિર્દોષ લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યારબાદ સભાની કાર્યવાહી આગળ વધારતા વિવિધ લોકઉપયોગી નિર્ણયો લેવાયા હતા. જેમાં મિલકત નામફેર માટે આવેલી 17 અરજી અને ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત ગરીબ પરિવારો માટેની 240 અરજીને ત્વરિત મંજૂરી અપાઇ હતી. નગરની સફાઈ અને સુશોભન અંગે પણ મહત્વના નિર્ણયો લેવાયા હતા. આગામી ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જનની સુવિધા માટે અંબાજી તળાવની સફાઈની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત, રામેશ્વર તળાવ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બ્યુટીફ્કિેશનના કામો તેમજ શહેરના મધ્યભાગમાં શંકરદાનજીની પ્રતિમા સ્થાપવા માટે મંજૂરી અપાઈ હતી.
