આસો શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાદરા તાલુકાના રણુ ગામે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર નવરાત્રી મહોત્સવ માટે સજ્જ બન્યું છે. મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટે તે માટે મંદિર ટ્રસ્ટ અને મહંતના માર્ગદર્શન હેઠળ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રણુ ગામનું શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર 900 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. મંદિર સાથે માનસરોવર, અખંડ ધૂણી, અખંડ દીપ અને અનેક ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે. લોકવાયકા મુજબ આશરે 900 વર્ષ પૂર્વે યોગીરાજ શ્રી વિશ્વંભરગીરી મહારાજ તુલજાપુરથી માતાજીના આદેશથી દીવો લઈને રણુ ગામે આવ્યા હતા. તેમણે અહીં અખંડ ધૂણી પ્રગટાવી અને સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. સરોવરના ખોદકામ દરમિયાન ધરતીમાંથી માતા તુળજા ભવાનીનું સુંદર સ્વરૂપ પ્રગટ થયું હોવાનું કહેવાય છે. જે દિવ્ય સ્વરૂપને સરોવરની પાળ પાસે નાની ડેરીમાં સ્થાપિત કરાયું હતું. ત્યારબાદ મહંત શ્રી વિશ્વંભરગીરી મહારાજે માતાજીનું સ્થાનક બનાવી તેની બાજુમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી હતી. આજે આ સ્થાન ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઇતિહાસમાં માનસરોવરના નિર્માણનો સમય ઇ.સ. 1363નો પણ ઉલ્લેખ જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો