આજથી 57 વર્ષ પહેલા ગુજરાત સ્ટેટ ગેઝેટમાં જેની કલ્પના કરવામાં આવી હતી તે કલ્પસર યોજનાની ફાઇલ ઉપર દાયકાઓ સુધી કલ્પનાઓ, વિચારો અને રિસર્ચ ચાલતા રહ્યા તે કલ્પસર યોજનાની કલ્પના હવે સાકાર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. તાજેતરમાં જ આ મામલે ભારત સરકારે નેધરલેન્ડ સાથે કરાર કર્યા છે અને તે અનુસંધાને આ યોજના આવતા એક દાયકામાં પૂર્ણ થાય તેવી સંભાવના છે.

નવી દિલ્હીમાં તાજેતરમાં આયોજિત ઈન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક 2026 દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે જળ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સહયોગ કરારો થયા છે. આ અવસર પર ગુજરાતના સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે નેધરલેન્ડ સાથે થયેલા કરારોમાં દાયકાઓથી જેની રાહ જોવાઇ રહી છે તેવી ગુજરાતની કલ્પસર યોજનાનો પણ સમાવેશ થાય છે. કલ્પસર યોજના અંતર્ગત ખંભાતના અખાત ઉપર રૂા. 1.25 લાખ કરોડના ખર્ચે ભરૂચના પાણીયાદરાથી ભાવનગર સુધી 60 કિલોમીટરનો 14 લેન રસ્તો તૈયાર થશે જેમાં 4 લેન રેલ્વે ટ્રેક હશે અને આવનાર આઠથી 10 વર્ષમાં આ યોજના નિર્માણ પામશે. સિંચાઇ મંત્રી ઇશ્વરસિંહ પટેલનું કહેવું છે કે આ યોજનામાં સાબરમતી ,મહી , ઢાઢર અને નર્મદા ઉપરાંત સૌરાષ્ટ્રની સાત નદીઓનું પણ જોડાણ કરવામાં આવશે. જેના થકી 13 લાખ મિલિયન ઘન મીટર વિસ્તારમાં મીઠા પાણીનો સંગ્રહ થતાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ બનશે. જેમાંથી સૌરાષ્ટ્રના 9 જિલ્લા 42 તાલુકાના 10 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. ભરૂચથી ભાવનગર જવાનો રસ્તો 200 કિમીનો ટૂંકો થશે. લાખો લિટર ઈંધણ બચશે. લોકોનો સમય બચશે. દરિયાના પાણીથી ખારપાટ હજારો હેક્ટરમાં ફેલાઈ ગયો છે તે આખા વિસ્તારનું પાણી મીઠું થશે અને ભૂગર્ભ જળ ઊંચું આવશે ખેડૂત સમૃદ્ધ થશે .આ પ્રોજેક્ટને તૈયાર થતા 8 થી 10 વર્ષ લાગશે .આ પ્રોજેક્ટ માટે સરકારે નેધરલેન્ડ સાથે એમઓયુ કર્યા છે. હજુ ડીપીઆર કર્યું છે તેના પ્લાન એસ્ટીમેટની કામગીરી બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરી પ્રોજેક્ટ પ્રગતિમાં આગળ વધશે તેમ ગુજરાત રાજ્ય સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉમેર્યુ હતું.