ગુજરાત વર્ષના અંત સુધીમાં કેન્યાથી ચિત્તાઓના એક પરિવારનું સ્વાગત કરવા જઈ રહ્યું છે. કેન્યાથી ચાર મોટી બિલાડીઓને કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં સ્થળાંતરિત કરવામાં આવશે, જ્યાં ભારતનું પ્રથમ ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર આવેલું છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી, દેશના સ્થળાંતર કાર્યક્રમ હેઠળ ચિત્તાઓને આશ્રય આપનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. વન વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આ માટે વન વિભાગ ઉત્સુક છે, અને પ્રાણીઓ આવે તેના હવે દિવસો ગણાઈ રહ્યા છે. પ્રથમ બેચમાં એક નર, એક માદા અને બે બચ્ચા હશે, જેને 500 હેક્ટરના એન્ક્લોઝરમાં રાખવામાં આવશે. આ વાડો કેન્યાના ખુલ્લા સવાના આવાસ જેવો બનાવવામાં આવ્યો છે, જેથી ચિત્તાઓને અનુકૂળ થવા અને સંવર્ધન માટે યોગ્ય પરિસ્થિતિ મળે. આ વિશાળ એન્ક્લોઝર ચિત્તાની ઝડપ અને દૂર સુધી દોડવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ બન્ની ઘાસિયા મેદાનની નિયમિત મુલાકાત લીધી છે અને આ સ્થળને ચિત્તાઓ માટે મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં ચિત્તાઓ જે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાતમાં કેન્યાથી આવશે, જે એક અલગ આનુવંશિક વંશાવળી લાવશે. પ્રાણીઓ પહેલા ભુજ આવશે અને પછી બન્ની સુવિધા પર લઈ જવામાં આવશે. ખાસ ડિઝાઇન કરેલા એન્ક્લોઝરમાં છોડતા પહેલા તેઓ લગભગ એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રહેશે. ભારતનો પ્રોજેક્ટ ચિત્તા સપ્ટેમ્બર 2022 માં શરૂ થયો હતો, જ્યારે નામિબિયાથી પાંચ માદા અને ત્રણ નર સહિત આઠ ચિત્તાઓની પ્રથમ બેચ આવી હતી. ફેબ્રુઆરી 2023 માં દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રાણીઓને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. એશિયાટિક સિંહો અને દીપડા પહેલેથી જ રાજ્યમાં વસે છે, ત્યારે ચિત્તા અને વાઘના આગમનથી ગુજરાતમાં ભારતની પાંચ મોટી બિલાડી પ્રજાતિઓમાંથી ચારની હાજરી થશે. આમ રાજ્ય તેના બિગ-કેટ પરિવારમાં વધુ બે સભ્યો ઉમેરવા માટે તૈયારી કરી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો