11
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વૉટ ચોરી સહિતના આક્ષેપો સાથે દેશભરમાં કૉંગ્રેસે આંદોલન છેડેલુ છે, જે અંતર્ગત આજે કૉંગ્રેસે શહેરના ચકલી સર્કલથી પ્રદર્શન યાત્રા કાઢી હતી. જેમાં કલેક્ટર કચેરી પાસે જ્ઞાનેશકુમારના પૂતળાનુ દહન કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ પણ પ્રદર્શન કરાયુ હતુ. પોલીસે ટીંગાટોળી કરીને કૉંગ્રેસના 47 કાર્યકરોની અટકાયત કરી હતી.
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, મતાધિકાર અને ચૂંટણી પંચની સ્વાયત્તતા અને સંસ્થાકીય નિષ્પક્ષતા અંગે ઉઠી રહેલા પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સવારે 11 કલાકથી પગપાળા ચકલી સર્કલથી કલેક્ટર કચેરી તરફ જવા નીકળ્યા હતાં. જેમાં કાર્યકરોએ કાળા કપડાં -કાળી પટ્ટી ધારણ દેખાવો કર્યો હતો. હાથમાં શહીદ ભગતસિંહની તસવીરો તેમજ વિવિધ સૂત્રો સાથેના પોસ્ટરો -બેનરોથી દેખાવો કરાયો હતો.'ચૂંટણી કમિશનર શરમ કરો... શરમ કરો...', 'રાજીનામું આપો... રાજીનામું આપો...' - તેવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
રેલી કલેક્ટર કચેરી પાસે પહોંચતી હતી. જ્યાં પોલીસ પહેલાથી જ ઊભી હતી, તેમ છતાં પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી, પોલીસને ચકમો આપીને કાર્યકરોએ જ્ઞાનેશકુમારનુ પૂતળુ સળગાવી દીધુ હતુ. એ પછી પોલીસ દોડતી થઈ ગઈ હતી. એટલુ જ નહીં કાર્યકરો બીજુ પીતળુ સળગાવવા લઈ આવ્યા હતા, પરંતુ પોલીસે ખેંચતાણ કરીને દહન કરવા દીધુ ન હતુ.જે દરમિયાન ટીંગાટોળી, ખેંચતાણ અને ધક્કામૂકી થઈ હતી. પોલીસે પોલીસે શહેર પ્રમુખ સહિત 47 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જે તમામને બાદમાં અટકાયતમાંથી મુક્ત કરાયા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો