ડભોઇ નજીક અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતી તરસાણા ચોકડી ખાતે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને પસાર થઈ રહેલી એક ટ્રક અચાનક પલટી જતાં માર્ગ પર અફરાતફરી મચી હતી. અકસ્માતમાં ટ્રકમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઇ હતી. સદનસીબે વહેલી સવારે ટ્રાફ્કિ ઓછો હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. તરસાણા ચોકડી પરથી રોજેરોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે. પરંતુ આ મહત્વની ચોકડી પર પૂરતી સ્ટ્રીટ લાઇટોનો સદંતર અભાવ જોવા મળે છે. અગાઉ અહીં સોલાર લાઇટો લગાડાઇ હતી. પરંતુ યોગ્ય જાળવણીને અભાવે હાલમાં આ તમામ સોલાર લાઇટો સંપૂર્ણપણે શોભાના ગાંઠિયા સમાન બની છે. રાત્રિના સમયે ચોકડી પર ઘોર અંધારપટ છવાઈ જતો હોવાથી વાહનચાલકોને વળાંક કે સામેથી આવતા વાહનો દેખાતા નથી. જેના કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.? સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે, શું સ્ટેટ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્રના અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે, ગંભીર અકસ્માતની રાહ જોઈને બેઠા છે ? શું કોઈનો જીવ જશે પછી જ તંત્રની આંખ ઉઘડશે લોકોની ઉગ્ર માંગ છે કે, તરસાણા ચોકડી પર બંધ પડેલી સોલાર લાઇટો તાત્કાલિક દુરસ્ત કરીને કાયમી ધોરણે હાઇવે પર પૂરતી ક્ષમતાવાળી નવી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે, જેથી અકસ્માતોનું જોખમ ટાળી શકાય.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
