ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક જૂથબંધી અને રાજકીય હરીફાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો IB ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના હાઈપ્રોફાઈલ મામલામાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરા ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલ નામના શખ્સની સત્તાવાર ધરપકડ કરી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ આખા કૌભાંડનો ભાંડો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ફૂટ્યો છે.
કેજરીવાલે જ ટ્વિટ કરેલું હતું
મળતી વિગતો અનુસાર, થોડા સમય પહેલાં અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં એક ચોક્કસ મોબાઈલ નંબર પરથી ‘આપ’ના કાર્યકરોને આઈબીના નામે ધમકાવવામાં આવી રહ્યા છે અને દબાણ કરાઈ રહ્યું છે.
આણંદના કાર્યકરને પણ ફોન આવ્યો
આણંદના ‘આપ’ કાર્યકર કેશવ ચૌહાણને પણ બરાબર આ જ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હોવાથી તેમણે આણંદ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
અશોક ઓઝાએ નકલી આઈબી અધિકારી તરીકે ફોન કર્યા
સાયબર પોલીસે જ્યારે કેજરીવાલે જાહેર કરેલા આ નંબરની ટેકનિકલ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ છે. પોલીસે તાત્કાલિક નીતિનની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરતા આખો મામલો ઉલટો નીકળ્યો હતો. નીતિને કબૂલાત કરી કે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી આઈબી અધિકારી તરીકે ફોન કર્યા હતા.
કેશવ ચૌહાણ હરીફ હોવાથી ફોન કરેલા
અશોક ઓઝાની પૂછપરછમાં સામે આવ્યું કે કેશવ ચૌહાણ તેમનો રાજકીય હરીફ હોવાથી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને તેને ડરાવવા માટે જ નકલી આઈબી અધિકારી બનીને આ આખો પ્લાન ઘડ્યો હતો. આમ, ભાજપને ઘેરવા જતાં ખુદ ‘આપ’ના જ વડોદરાના પ્રમુખ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.