સંસ્કારી નગરી વડોદરામાં ગત મોડી સાંજે એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ એક બેફામ સ્પીડે આવી રહેલી કારે એક્ટિવા સવાર આખા પરિવારને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માત એક વૃદ્ધ મહિલા કારચાલક દ્વારા સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારચાલક મહિલાએ એક્ટિવા પર જઈ રહેલા ભાઈ-બહેનને રસ્તા પર આશરે 50 ફૂટ સુધી નિર્દયતાથી ઢસડ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી
મળતી વિગતો મુજબ, ભોગ બનનાર પરિવાર પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એક્ટિવા પર માતા, પુત્રી અને તેમના મામા સવાર હતા. આ દરમિયાન કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે એક્ટિવા પર સવાર ભાઈ અને બહેન કારની નીચે ફસાઈ ગયા હતા, તેમ છતાં કાર ઊભી રાખવાને બદલે વૃદ્ધ મહિલા તેમને 50 ફૂટ સુધી રોડ પર ઘસડી ગઈ હતી.













