નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલા વૃદ્ધ મહિલાના હત્યા અને લૂંટના જઘન્ય ગુનાનો નસવાડી પોલીસ તથા એલ.સી.બી. છોટાઉદેપુરે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડી તેમના પાસેથી આશરે રૂા.2.50 લાખના ચાંદીના કડલા રિકવર કર્યા છે. ગઢબોરીયાદ ગામે રહેતી દશરીબેન ભીમાભાઈ ભીલ (ઉં.75) પોતાના ઘરે એકલા હતા. ત્યારે અજાણ્યા ઈસમોએ તેમના પર ઘાતક હુમલો કરી હત્યા કરી નાખી હતી. અને તેમના પગમાં પહેરેલા અંદાજે એક કિલો વજનના ચાંદીના કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગંભીર ગુનાની તપાસ માટે એલ.સી.બી. અને નસવાડી પોલીસની સંયુક્ત ટીમો બનાવાઇ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન મળેલ બાતમીને આધારે ધોળીકોતરડી ગામના રણજીત ઉર્ફે રંગો વિનુ ભીલ (ઉં.27) અને ખડકિયા ગામના બિપીન ઉર્ફે વિકો કચરા ભીલ (ઉં.56)ને ઝડપી પાડી પૂછપરછ કરાઇ હતી. બંને આરોપીએ ગુનો કબૂલતા પોલીસે તા. 1 મે 2026ના રોજ તેમની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી આર્થિક તંગીમાં હતો. અને દેવું ચૂકવવા માટે પૂર્વ આયોજન સાથે આ ગુનો આચર્યો હતો. આરોપીઓએ વૃદ્ધ મહિલાના પગમાં કિંમતી ચાંદીના કડલા હોવાની જાણકારી મેળવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મૃતકના ચાંદીના બે કડલા મુદ્દામાલ તરીકે કબજે લીધા છે. આ સફળ કામગીરીમાં જોડાયેલા અધિકારીમાં એમ.એફ. ડામોર (PI, LCB છોટાઉદેપુર), આઈ.એમ. ઝાલા (PI, નસવાડી પોલીસ સ્ટેશન), જે.ડી. રાઠોડ (PSI, LCB), વી.એન. ચાવડા (PSI, LCB), વી.પી. ગોહીલ (PSI, નસવાડી પોલીસ સ્ટેશન) અને વી.એન. તડવી (PSI નસવાડી પોલીસ સ્ટેશન)નો સમાવેશ થાય છે. જેઓની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.
