વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લો ટીમને ફરાર રહેલા કેદી લલીતકુમાર છબીલદાસ અંગનાનીને પકડવામાં મોટી સફળતા મળી છે. આ કેદી ફેમિલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 34 માસની સજા ભોગવી રહ્યો હતો અને વચગાળાના જામીન દરમિયાન ફરાર થઈ ગયો હતો.
90 દિવસના વચગાળાની જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો
મહત્વનું છે કે લલીતકુમાર 14/05/2021થી 13/08/2021 સુધી 90 દિવસના વચગાળાની જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ 14/08/2021ના રોજ જેલમાં પરત ફરતા હાજર ન થતાં ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
ખાનગી વોચ રાખી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો
જેલ વિભાગ તરફથી મળેલા પત્ર અને તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચ ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદના નરોડા વિસ્તારમાં આરોપીનું સ્થાન ચોક્કસ કર્યું. ખાનગી વોચ રાખી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો.
બાકીની સજા ભોગવવા જેલમાં ધકેલી દેવાયો
પ્રાથમિક પૂછપરછમાં લલીતકુમારે પોતે પાકા કેદી હોવાનું કબૂલાત કરી હતી. તદુપરાંત તેને પકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં બાકીની સજા ભોગવવા મોકલવામાં આવ્યો છે
કેદી મૂળ રાજસ્થાનના અજમેરનો રહેવાસી
આ કેદી મૂળ રાજસ્થાનના અજમેરનો રહેવાસી છે અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં સંતાનુઝ બંગલોઝમાં રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીને પોલીસ તંત્ર તરફથી સફળ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Halol : ત્રણ ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા, એક ચોરને લોકોએ ઝડપી લીધો