• વડોદરા શહેરની હવાની ગુણવત્તામાં સવારના કલાકોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને સવારે 7 વાગ્યે AQI 163 અને 8 વાગ્યે 144 નોંધાયું હતું. હજુ તો શિયાળો શરૂ થયો નથી, ત્યાં આવી સ્થિતિ છે. હવે, શિયાળામાં મોર્નિગ વૉકર્સની સંખ્યા વધશે, ત્યારે સ્વાસ્થયને સારું કરવા નીકળતાં મોર્નિગ વૉકર્સ માટે વડોદરાની હવા ચેતવણી સમાન છે.

શહેરમાં સવારની હવાની ગુણવત્તા ખરાબ થવા પાછળના અનેક કારણો છે. જેમાં સવારે રોડ પર વાહનો દોડતાં થાય છે. જેથી રસ્તા પર પડેલી ધૂળ વાહનોના ટાયર અને હવાના પ્રવાહથી ફરી હવામાં ભળે છે. આ સિવાય વડોદરા શહેર અને આસપાસમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. ચોક્કસ કંપનીઓ દ્વારા વહેલી સવારે હવામાં છોડાતા ઝેરી ગેસ પણ તેટલા જ જવાબદાર છે. ખુલ્લામાં કચરો સળગાવવાથી PM 2.5 અને CO સહિતના પ્રદૂષકો પણ વધે છે. જ્યારે રસ્તા પર કામગીરી દરમિયાન નીકળેલી માટી, બાંધકામ સામગ્રી, ખોદકામ અને ડિમોલિશનના રજકણોથી PM 10નું પ્રમાણ વધી જાય છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્લીન એર સંબંધિત દસ્તાવેજમાં રોડ અને બાંધકામના રજકણો (ડસ્ટ)ને પ્રદૂષણના મોટા સ્ત્રોત ગણ્યાં છે, તેમ છતાં આજે પણ મોટાભાગે બાંધકામોની તોડફોડ દરમિયાન હવામાં ધૂળ ના ઉડે તે માટે કોઈ કાળજી લેવાતી નથી. તંત્રના નાક નીચે રાજમહેલ રોડ અને નાગરવાડામાં મિક્સર પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. રેતીની હેરાફેરી, બાંધકામના કાટમાળના નિકાલ કરતી વખતે પણ કોઈ તકેદારી રખાતી નથી. ઉપરાંત વિવિધ વિસ્તારમાં VMC દ્વારા ખોદકામ કરી કામો કરાવાઈ છે, જ્યાં સૌથી વધુ સમસ્યા છે.

ખાડાઓ પુરવા માટેનાખેલી ક્વૉરી ડસ્ટ પણ પ્રદૂષણમાં વધારો કરવાની ભૂમિકા ભજવે છે. મ્યુનિ.કોર્પોરેશનના સ્વીપર મશીન પણ રોડની પરની ધૂળ સાફ કરવાને બદલે ધૂળ વધારે ઉડાડતાં હોવાની બૂમો ઉઠી રહી છે. માત્ર રોડના કાગળ કે પ્લાસ્ટિક દૂર કરવાથી શહેર સ્વચ્છ થતું નથી, લોકોના સ્વાસ્થય માટે ઝેર સમાન હવાના પ્રદૂષણને ઘટાડવું પણ તેટલું જ જરૂરી છે. ઠેરઠેર બ્રિજ, ડ્રેનેજ, વરસાદી ગટર, પાણી, ગેસ લાઈનના કામો ચાલી રહ્યાં છે, ત્યાં શું સ્થિતિ છે? તે જોવાની તસ્દી જે તે વૉર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ લેતાં નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બૉર્ડની દ્રષ્ટ્રિએ AQI 50 અંદર હોય તો સારો ગણાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો