ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાઇ નથી. આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખીને DRUCC (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM)ને લેખિત રજૂઆત કરાઇ છે.
DRUCCના સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડભોઈ-કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફ્ળતાપૂર્વક કરાયું છે. છતાં, નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે એસ.ટી. બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી. જેની સીધી અસર તેમના રોજગાર પર પડી રહી છે. આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. જો આ રૂટ પર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરાય તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બ્રોડગેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય તેમ DRUCC સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે.










