પાદરા : પાદરા સ્થિત કન્યા શાળા-1 પ્રાથમિક વિભાગ ખાતે સોમવારે એમજીવીસીએલ પાદરા-1 પેટા વિભાગ દ્વારા વીજ સલામતી, વીજ ઉર્જા બચત, વીજ ચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને વીજળીનો સલામત ઉપયોગ, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો, વીજ ઉર્જા બચતનું મહત્વ તેમજ સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવી કુદરતી ઉર્જાના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી. ઉપરાંત સ્માર્ટ મીટરના ઉપયોગ, તેની કાર્યપદ્ધતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે પણ સમજણ અપાઇ હતી. વિભાગીય કચેરીના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સી.વી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેર એન.એમ. વાળંદની ઉપસ્થિતિમાં શાળામાં ઉર્જા બચત અને કુદરતી ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા એમજીવીસીએલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જે માટે જરૂરી કિટનું વિતરણ પણ કરાયું હતું. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત શાળાના અન્ય તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પેન-પેન્સિલ કીટનું વિતરણ કરાયું હતું.
