તાજેતરમાં અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેલવે પોલીસમાં નોકરીનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી સારી કામગિરી બતાવી એક્સટેંશન મેળવવા માટે રેલવે પોલીસના કર્મચારીએ જ વિસ્ફોટ પદાર્થ રેલવે ટ્રેક પર મુક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સારી કામગિરી બતાવવા રેલવે કર્મીએ જ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો એટલે કે ફૂટેલા ઇલેકટ્રીક ફટાકડા મુક્યા
શહેર નજીક અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાના મામલે તપાસ કરી રહેલી વડોદરા પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. આ મામલામાં પોલીસને ફરિયાદ કરનારો રેલવે પોલીસનો કોન્ટ્રાક્ટ પર કામ કરનારો કર્મચારી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોતાની નોકરીનો કોન્ટ્રાક્ટ હવે પૂર્ણ થતો હોવાથી રેલવે પોલીસને પોતાની સારી કામગિરી બતાવવા અને તેના કારણે તેને નોકરીમાં એક્સટેંશન મળે તે આ આશયથી જ તેણે રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો એટલે કે ફૂટેલા ઇલેકટ્રીક ફટાકડા મુક્યા હતા.
કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો હોવાથી, તેને લંબાવવાના આશયથી મુસ્તાકે આ જોખમી પ્લાન ઘડ્યો
ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસના અંતે 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખની ધરપકડ કરી છે. આરોપી મુસ્તાક આર્મીનો નિવૃત્ત જવાન છે અને વર્ષ 2024થી રેલવે પોલીસમાં ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને રિવોર્ડ અથવા કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન (મુદત વધારો) આપવામાં આવે છે. પોતાનો 2024થી 2026 સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો હોવાથી, તેને લંબાવવાના આશયથી મુસ્તાકે આ જોખમી પ્લાન ઘડ્યો હતો.
લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' લઇ આવ્યો
તેણે નજીકના એક લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' (ફૂટેલા ઇલેક્ટ્રિક ફટાકડા) મેળવ્યા હતા અને તેને રેલવે ટ્રેક પર પ્લાન્ટ કરી પોતે જ તેની જાણ કરી રેલવેમાં પોતાની સારી કામગિરી બતાવવા આ ગતકડું કર્યું હતું. પોલીસે મુસ્તાકની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.
મુસ્તાકની શંકાસ્પદ હિલચાલથી પોલીસને શંકા ગઇ
પોલીસ જ્યારે આ મામલાની ઉંડી તપાસ કરી રહી હતી ત્યારે આ કેસના ફરિયાદી મુસ્તાકની પૂછપરછમાં તેની શંકાસ્પદ હિલચાલ તથા તેણે આપેલા વિરોધાભાસી જવાબોના કારણે પોલીસને મુસ્તાક પર શંકા ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે મુસ્તાકની ઉંડી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે નોકરીમાં એક્સટેંશન મેળવવાના આશયથી જ તેણે નજીકના લગ્ન પ્રસંગમાંથી કોન્ડ પાયરો લઇ આવ્યો હતો અને તેને રેલવે ટ્રેક પર મુકી દીધો હતો.
આ પણ વાંચો---- Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન