આજના આધુનિક યુગમાં જન્મદિવસની ઉજવણી એટલે મોંઘીદાટ કેક કાપવી, ભવ્ય પાર્ટીઓ યોજવી કે ફ્ટાકડા ફોડવા-આવા ખર્ચાળ વલણ વચ્ચે ચાંદોદ પાસે શણોર ગામના રહેવાસી અને ભાજપ અગ્રણી રાકેશસિંહ અંબાલિયાએ એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે પોતાના જન્મદિવસને ભોગવિલાસ કે, દેખાડાથી દૂર રાખીને સંપૂર્ણપણે જનસેવાના કાર્યોને સમર્પિત કર્યો છે. પોતાના જન્મદિવસના અવસરે રાકેશસિંહ અંબાલિયાએ શણોર ગામની જરૂરિયાતમંદ અને વંચિત મહિલાઓને ઉપયોગી રાશન કિટનું વિતરણ કર્યું હતું. પોતાના ખાસ દિવસે અન્નદાન અને સેવાકાર્ય કરવાનો આ સત્કાર્ય મહિલાઓએ આશીર્વાદ આપ્યાં હતા. આ સેવાકીય અભિયાનમાં રાકેશસિંહની સાથે તેમના ધર્મપત્ની અને ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારના સદસ્યા લત્તાબા પણ સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ ભાવ સાથે જોડાયા હતા. પતિ-પત્ની બંનેએ સાથે મળીને પોતાના હાથે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને રાશનની કીટો અર્પણ કરી હતી. દંપતીનું આ સંયુક્ત સેવાકાર્ય ઉપસ્થિત ગ્રામજનો માટે પણ વિશેષ આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યું હતું. જન્મદિવસની ઉજવણી અનોખી રીતે સેવા કાર્યો દ્વારા કરવા બદલ આજે સમગ્ર ચાંદોદ પંથક અને આસપાસના વિસ્તારોમાં રાકેશસિંહ અંબાલિયાની પ્રશંસા થઈ રહી છે.
