શહેરના અકોટા ગામ ગાર્ડન પાસે છેલ્લાં 16 વર્ષથી પ્રોમિલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવીને હરસ, મસા અને ભગંદર તથા ગુપ્ત રોગની ટ્રીટમેન્ટ કરતાં એક બોગસ ડૉકટરની એલ.સી.બી. ઝોન 2ની ટીમે ધરપકડ કરી છે. પોલીસની ટીમે ગઈકાલે મંગળવારે બપોરે ક્લિનિક ઉપર દરોડો પાડયો હતો અને ટેબ્લેટસ, ઈન્જેક્શન જેવી એલોપેથી મેડિસિનનો જથ્થો ઝડપી પાડયો હતો. સ્લમ વિસ્તારમાં ક્લિનિક ચલાવીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતો નકલી ડૉકટર મૂળ પિૃમ બંગાળનો વતની છે અને ધોરણ 10 સુધી ભણેલો છે. પિૃમ બંગાળના વતનમાં એક ડૉકટરના દવાખાને કંપાઉન્ડર તરીકે ફરજ બજાવતો ત્યાં પ્રાથમિક સારવારનો અનુભવ મેળવીને વડોદરામાં દવાખાનું શરૂ કર્યું હતું. અકોટા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
શહેરના અકોટા ગામ વિવાન્તા હોટલથી આગળ અકોટા દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના રસ્તે ગાર્ડન પાસે મહંમદ વાડીમાં રહેતો બિશ્વજીત પ્રફુલ્લા હાલદાર ડૉકટર નથી તેમજ મેડિકલની કોઈ ડિગ્રી ધરાવતો નથી આમ છતાં તેના ઘર પાસે પ્રોમિલા ક્લિનિક નામનું દવાખાનું ચલાવે છે. તેવી ગઈકાલે મંગળવારે બપોરે એલ.સી.બી. ઝોન 2ની ટીમને માહિતી સાંપડી હતી. જે આધારે અકોટા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ડૉકટરને સાથે રાખીને બપોરના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો. ક્લિનિક બહાર બોર્ડ પર પ્રોમિલા ક્લિનિક ડૉ. બી હાલદાર BIAMS, લખ્યું હતું અને હરસ, મસા, આંતરગાંઠ ,ગુપ્તરોગની સારવાર એમ ગુજરાતી ભાષામાં લખ્યું હતું. કાચની નાની ચેમ્બરમાં ડૉ. બિશ્વજીત પ્રફુલ્લા હાલદાર (ઉ.વ.45) બેઠા હતાં. ટેબલ ઉપર બ્લડ પ્રેશર માપવાનું સાધન અનેસ્ટેથોક્સોપ હતા.
