નસવાડી તાલુકાના કાંધા ગામમાં આરોગ્ય વિભાગે બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરતાં એક દવાખાનાને સીલ માર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં પ્રદીપ સરકાર નામના વ્યક્તિ દ્વારા ચલાવાતું દવાખાનું શંકાસ્પદ હોવાનું ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સંચાલક જરૂરી તબીબી લાયકાત, પ્રમાણપત્રો તેમજ કાયદેસરની મંજૂરી સંબંધિત સંતોષકારક દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફ્ળ રહેતા વિભાગે દવાખાનાને સીલ કર્યું હતું. દવાખાનામાંથી અંદાજે રૂા.57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના Clinical Establishment Act (CEA) હેઠળ તમામ ખાનગી ક્લિનિકો અને દવાખાનાઓનું નોંધણીકરણ ફરજિયાત છે. હજુ સુધી નોંધણી ન કરાવનાર ડોક્ટરો અને ક્લિનિક સંચાલકોએ તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.










