વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભુ થયું છે. અનેક સ્થળે રોડ ડિવાઈડર પરની રેલિંગ તોડી નાંખવામાં આવી છે, તો ક્યાંક ચોરી પણ થઈ ગઈ છે. ત્યારે વહેલીતકે આ તૂટેલી રેલિંગનું સમારકામ કરાવી તેમજ જ્યાંથી રેલિંગ ગુમ થઈ છે, ત્યાં નવી રેલિંગ નાખવા માગ કરાઈ છે.
વાઘોડિયા નગરની શોભામાં વધારો કરતા વિકાસપથ માર્ગ ધીરજ ચોકડીથી ડેપો સુધી રોડ વચ્ચે ડીવાઈડર પર ગ્રિલ લગાવવામાં આવી છે, જેના કારણે પશુઓ રોડ કૂદીને અવરજવર ના કરી શકે, જેથી વાહન ચાલકોને અકસ્માત નડે નહીં. પરંતુ ટુંકો રસ્તો શોધવામાં કેટલાક વાહન ચાલકોએ અનેક ઠેકાણે આ ગ્રીલને તોડી પાડી નુકસાન પહોંચાડયું છે. કેટલીક જગ્યાએ આ ગ્રીલ ડિવાઇડર પરથી તૂટીને રોડ પર લટકી રહી છે. ખંધારોડ ઉપર ઠેર-ઠેર રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે અહીંથી રાત્રે પસાર થતા વાહન ચાલકો માટે મોટું જોખમ બની રહી છે. કેટલીક જગ્યાએ તો તૂટેલી રેલિંગ ગાયબ થઈ ગયેલી પણ જોવા મળે છે. વહીવટી વિભાગના અધિકારીઓ છાસવારે આ માર્ગ પરથી પસાર થતાં હોવા છતાં આ તૂટેલી જોખમી રેલિંગ સામે આંખ આડા કાન કરે છે. જેથી સ્થાનિક નાગરિકોએ વહેલીતકે આ તૂટેલી રેલિંગનું સમારકામ કરાવી તેમજ જ્યાંથી રેલિંગ ગુમ થઈ છે, ત્યાં નવી રેલિંગ નાખવા માગ કરાઈ છે.










