ભારતની યુવા પેઢી માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ સર્જતાં શહેરની ધોરણ 11ની વિદ્યાર્થિનીએ વિશ્વવિખ્યાત માઉન્ટ કિલિમંજારો સર કરીને ભારતનો તિરંગો વિશ્વના સર્વોચ્ચ મુક્ત ઊભેલા પર્વતના શિખર પર લહેરાવ્યો છે. જે વિશે માહિતી આપતા અનાયા શાહે જણાવ્યું હતું કે, માઉન્ટ કિલિમંજારો આફ્રિકા ખંડનું સર્વોચ્ચ શિખર છે. તે તાંઝાનિયા દેશમાં આવેલું છે અને તેની ઊંચાઈ 5,895 મીટર (19,341 ફૂટ) છે. આ પર્વત વિશ્વનો સૌથી ઊંચો Free-standing Mountain (એકલો ઊભેલો પર્વત) ગણાય છે અને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. વરસાદી જંગલોથી લઈને જ્વાળામુખી પ્રદેશ, પથ્થરાળ માર્ગો, હિમાચ્છાદિત વિસ્તારો અને અત્યંત ઓછી ઓક્સિજન જેવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે આ શિખર સુધી પહોંચવું વિશ્વના સૌથી પડકારજનક ટ્રેકિંગ અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. જેને મચામે રૂટ દ્વારા લગભગ 64 કિલોમીટરનું અંતર સાત દિવસમાં પૂર્ણ કર્યું હતું. માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને અત્યંત કપરા સંજોગોમાં શિખર સર કર્યું હતું. આ સફળતા પાછળ એક વર્ષ સુધીની સતત તૈયારી છે. જે તૈયારીમાં દર અઠવાડિયે છ દિવસ જીમ અને એથ્લેટિક્સ તાલીમ સાથે મહેનત, આત્મવિશ્વાસ અને અડગ મનોબળ રહેલું છે. મારું માનવું છે કે, દૃઢ સંકલ્પ, શિસ્ત અને પરિશ્રામથી કોઈપણ ઊંચાઈ અશક્ય નથી. નોંધનીય છે કે, અનાયા શાહની આ સિદ્ધિ અસંખ્ય યુવાઓને જીવનમાં મોટા સપનાઓ જોવાની અને તેને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન કરવાની પ્રેરણા આપશે.
