દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતનને લઈને એલપીજી ભરેલુ ટેન્કર પલટી ગયુ હોવાની ઘટના બાદ આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના કારેલા ગામ નજીક કોલસાનો જથ્થો ભરેલી ટ્રકમાં એકાએક આગ લાગી જતા અફરા તફરી મચી ગઈ હતી.
હજૂ સોમવારે જ પાદરાના સમીયાલા થઈને એક્સપ્રેસ હાઈવે તરફ જવાના રસ્તે એક આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. એટલુ જ નહીં, એ જ દિવસે સાંજે એક્સપ્રેસ હાઈવે પર પાદરાના સરસવણી ગામ પાસે એલપીજી ગેસ ભરેલું ટેન્કર ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતા અને ગેસનો પુરવઠો ભરેલુ ટેન્કર પલટી મારી ગયુ હતુ. જેથી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યાં આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો છે.આજે ભરૂચ જિલ્લાના કારેલા ગામ નજીકથી પસાર થતાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે 9-30 કલાકના અરસામાં પસાર થતી એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ટ્રકમાં કોલસાનો જથ્થો ભરેલો હતો અને કોઈ કારણસર તે જથ્થામાં આગ લાગી જતા ટ્રક ભડભડ સળગવા લાગી હતી. આ ઘટનાને લઈને હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
