ડભોઇમાં પવિત્ર ગણાતી ગાયની હાલત આજે અત્યંત દયનીય બની છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાના રોડ પર, રબારી વગા પાસે છેલ્લા ત્રણ દિવસથી એક ગાય ગંભીર બીમારી અને ભૂખ-તરસથી પીડાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગાય રસ્તાની વચ્ચે જીવતદાન માટે ટળવળતી હોવા છતાં તંત્ર કે પશુપાલકોના પેટનું પાણી હલતું નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગાય છેલ્લા ત્રણ દિવસથી એક જ જગ્યાએ પડી રહી છે. તે એટલી બીમાર અને અશક્ત છે. તે જાતે ઊભી પણ થઈ શકતી નથી. રહીશો દ્વારા નજીકમાં આવેલા રબારીવગાના પશુપાલકોને વારંવાર જાણ કરાઇ હતી. કેટલાક લોકો આવીને જોઈ પણ ગયા, પરંતુ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે ત્યાંથી ચાલતી પકડતા જોવા મળ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હોવાથી માલિકે તેને રઝળતી મૂકી છે.










