દિવાળી એટલે રોશનીનો તહેવાર. પરંપરાગત દીવા અને રંગબેરંગી સીરીઝની સાથે હવે દિવાળીની સજાવટમાં ટેક્નોલોજીનો નવો રંગ ઉમેરાયો છે. મોબાઇલના એક ક્લિકથી ઘરની લાઇટનો રંગ બદલવો હોય કે સંગીતના તાલે લાઇટિંગ ઇફેક્ટ્સ ઊભી કરવી હોય, સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ દ્વારા આ શક્ય બન્યું છે. સ્માર્ટ RGBબલ્બ્સ અને LED સ્ટ્રિપ્સને મોબાઇલ એપ્લિકેશનથી નિયંત્રિત કરી શકાય છે. કેટલીક સિસ્ટમમાં લાઇટની બ્રાઇટનેસ, કલર અને લાઇટિંગ સીન બદલવાની સુવિધા મળે છે. કેટલીક લાઇટ્સમાં વોઇસ કંટ્રોલ અને સમયપત્રક પ્રમાણે ઓટોમેટિક ચાલુ-બંધ કરવાની સુવિધા પણ છે. મ્યુઝિક સિંક લાઇટ્સ સંગીતના તાલે રંગ અને પ્રકાશની પેટર્ન બદલે છે, જ્યારે મોશન સેન્સર લાઇટ્સ વ્યક્તિની હિલચાલના આધારે આપમેળે ચાલુ થાય છે. જોકે, વડોદરામાં સ્માર્ટ લાઇટિંગનો ક્રેઝ હજુ મર્યાદિત છે. છેલ્લાં સાત વર્ષથી લાઇટિંગ ડેકોરેશનનું કામ કરતા સાદિક પટેલના જણાવ્યા અનુસાર, મોટા ઘરો, બંગલા અને વિલામાં Wi-Fi કનેક્ટેડ તથા RGB ડેકોરેટિવલાઇટિંગનો ઉપયોગ થાય છે, પરંતુ સામાન્ય ઘરોમાં ગ્રાહકો હજુ પણ પરંપરાગત સીરીઝ અને મિનિમલ લાઇટિંગ પસંદ કરે છે. સ્માર્ટ લાઇટિંગ અને RGB ડેકોરેશનનો ઉપયોગ થાય છે, પરંતુ હજુ તેનું પ્રમાણ ઓછું છે. મોટા ઘરો, બંગલા અને વિલામાં આ પ્રકારની લાઇટિંગથી સજાવટ કરાવવાનું વધુ પસંદ કરવામાં આવે છે, જ્યારે સામાન્ય ઘરોમાં લોકો સાદી સીરીઝ અને મિનિમલ લાઇટિંગથી જ દિવાળીની સજાવટ કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મના એક એહેવાલ મુજબ કનેક્ટેડ લાઇટિંગની ખરીદી સામાન્ય દિવસોની સરખામણીએ 3.3 ગણી નોંધાઈ હતી. આમ, પરંપરાગત દીવા અને સીરીઝની સાથે સ્માર્ટ લાઇટિંગ પણ સજાવટમાં આધુનિક વિકલ્પ બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો