મા આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થતાં જ ઐતિહાસિક નગરી ડભોઈનાં માતાજીનાં મંદિરોમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે ઊમટયાં હતા.
હીરાભાગોળ કિલ્લામાં ગઢ ભવાની માતાજીનું મંદિર, વડોદરી ભાગોળ પાસેનું બહુચરાજી માતાજીનું મંદિર, નાંદોદી ભાગોળ પાસેનું વેરાઈ માતાજીનું મંદિર અને મહુડી ભાગોળ પાસેનું આશાપુરી માતાજીનું મંદિર સહિત શહેરનાં વિવિધ મંદિરોને રોશની અને ફૂલહારથી શણગારાયાં હતાં. લગભગ 700 વર્ષ જૂની ડભોઈ નગરીની સ્થાપના રાજા વિશાળદેવ સોલંકીએ કરી હોવાનું મનાય છે. નગરની સુરક્ષા અને શ્રદ્ધાળુની આસ્થાને ધ્યાનમાં રાખીને ચારેય ભાગોળની આસપાસ માતાજીનાં મંદિરોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. શિલ્પી હીરાધર દ્વારા નિર્મિતડભોઈના ઐતિહાસિક કિલ્લા અને કલાત્મક દરવાજાઓ આજે પણ નગરના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. ગઢ ભવાની માતાજીના મંદિરે નવરાત્રિ દરમિયાન વિશેષ ભીડ રહેતી હોવાથી સાંજે મહાઆરતીમાં ભક્તોની ભીડ નિયંત્રિત કરવા મર્યાદિત પ્રવેશની વ્યવસ્થા કરાઇ હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું. નવરાત્રિના પ્રારંભ સાથે ડભોઈ શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માતાજીનાં મંદિરોમાં પણ દર્શનાર્થે ભક્તોની અવરજવર વધી હતી. આમ, નવરાત્રિના પ્રારંભે સમગ્ર ડભોઈ પંથકમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
