ડભોઈ શહેરના અતિ વ્યસ્ત એવા સરદારબાગ વિસ્તાર પાસે તાજેતરમાં જ નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે નવા રોડનું નિર્માણ કરાયું હતું. જોકે, કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગની ઘોર બેદરકારીને કારણે આ નવો રોડ હવે પ્રજા માટે સુવિધાને બદલે આફ્ત સમાન બન્યો છે. રોડ બનાવતી વખતે ગટર લાઇનના ઢાંકણાંને રોડના લેવલ સાથે સમતળ કરવાને બદલે ઊંચા-નીચા છોડી દેવાયા છે. જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સરદાર બાગ પાસેનો આ માર્ગ દરરોજ હજારો બાઈક, કાર, ઓટોરિક્ષા અને અન્ય નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમે છે. રોડની વચ્ચોવચ આવેલ આ અસમથળ ઢાંકણાંને કારણે ખાસ કરીને બે-વ્હીલર ચાલકો અચાનક વાહન પરથી સંતુલન ગુમાવી દે છે. ત્યારે આ ઊંચા-નીચા ઢાંકણાં દેખાતા નથી. જેથી અહીં દરરોજ ડેન્જર ઝોન જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. નવો રોડ બન્યાની ખુશી થોડા જ દિવસોમાં ગાયબ થઈ ગઈ છે. ગટરના ઢાંકણાં લેવલમાં ન હોવાથી વાહનોને નુકસાન થાય છે. અકસ્માતનો ડર સતત રહે છે. તાત્કાલીક ગટરોના ઢાંકણાનું રોડ લેવલ સુધારવા માટે લોકમાગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો