કદવાલ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા કદવાલના મામલતદારને આવેદનપત્ર પાઠવી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર પ્રાથમિક શિક્ષકોને બાકી રહેલું મહેનતાણું તાત્કાલિક ચૂકવવા માંગ કરાઇ છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન કદવાલ તાલુકાના અનેક પ્રાથમિક શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયાને સફ્ળ બનાવવા માટે પ્રિસાઇડિંગ ઓફ્સિર, પોલિંગ ઓફ્સિર સહિત વિવિધ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. ચૂંટણી જેવી મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં શિક્ષકોએ દિવસ-રાત મહેનત કરીને પોતાની ફરજ અદા કરી હતી.
છતાં ચૂંટણી કામગીરી પૂર્ણ થયાને લાંબો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી અનેક શિક્ષકોને તેમનું મહેનતાણું ચૂકવાયું નથી. જેના કારણે શિક્ષકોમાં નિરાશા અને અસંતોષની લાગણી જોવા મળે છે. ચૂંટણી કામગીરી સરકાર દ્વારા સોંપાયેલી ફરજ હોવાથી તેનું મહેનતાણું સમયસર ચૂકવવું જરૂરી હોવાનું સંઘે રજૂઆતમાં જણાવ્યું છે. કદવાલ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘે માંગ કરી છે કે, ચૂંટણી કામગીરી કરનાર તમામ શિક્ષકોની વિગતો ચકાસી કોઈપણ પ્રકારના વિલંબ વિના તમામ પાત્ર શિક્ષકોને તેમનું બાકી મહેનતાણું વહેલી તકે ચૂકવવામાં આવે. ઉપરાંત ભવિષ્યમાં પણ આવી કામગીરીનું મહેનતાણું સમયમર્યાદામાં ચૂકવાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો