કરજણ તાલુકામાં નારેશ્વર સહિત 8 સ્થળેપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના વિતરણ નિમિત્તે સામૂહિક નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી કરેલા 24મા હપ્તાના વિતરણ અને સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કરજણ તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠક હેઠળનાં 8 ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરજણ તાલુકાનાં 99 ગામોના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ આપ્યો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજના અને ખેડૂતોના કલ્યાણ માટે હાથ ધરાતી કામગીરી અંગે પણ માહિતગાર કરાયા હતા. જે પ્રસંગે કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, કરજણ તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના વિતરણની માહિતી મળી હતી. તેમજ કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂત કલ્યાણના મુદ્દાઓ પર વડાપ્રધાનનું સંબોધન નિહાળ્યું હતું.
