અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે વડોદરા જિલ્લામાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. ડભોઇના કોલેજ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો. જે પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજની એકતા દોડ કોઈ સરકારી, રાજકીય કે સામાજિક કાર્યક્રમ નથી. પરંતુ સમગ્ર દેશ એક છે. અને આપણે સૌ ભારતીયો એક છીએ તેવો સંદેશ આપતો કાર્યક્રમ છે. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમની 151મી જન્મજયંતીએ સૌએ સંકલ્પ લેવો જોઈએ કે આવનારી પેઢીઓ પણ એકતાના ભાવ સાથે ભારતના વિકાસમાં સહભાગી બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનું નિર્માણ કરાવી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. આજે દુનિયાભરમાંથી લાખો લોકો સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા અને તેમના જીવન તથા યોગદાનને સમજવા આવે છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, એકતાનો સંદેશ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહે, પરંતુ સરદાર પટેલના વિચારોને વર્ષભર જીવનમાં ઉતારી દેશના વિકાસમાં એક ભારતીય તરીકે સૌએ સાથે મળીને યોગદાન આપવું જોઈએ. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂથ થવા પણ આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. ડભોઇ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી એકતા દોડ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એ.પી.એમ.સી., સરદાર પટેલની પ્રતિમા અને રાધે કોમ્પ્લેક્સ થઈ પુનઃ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. રન ફોર યુનિટી દરમિયાન દોડવીરોમાં રાષ્ટ્ર સમર્પણની ભાવના સાથે એકતાના અનોખા દર્શન થયા હતા. જેને જોઇને અનેક લોકોને પ્રેરણા મળી હતી. એકતા દોડમાં ખાસ કરીને યુવાઓ વધુ જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો