વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી સ્થાનિકોના આક્રોશ અને ભયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેસરના ઉદલપુર-જાનીપુરા ગામ નજીક આવેલી BD પટેલ ક્વોરી માં થતા ખતરનાક બ્લાસ્ટિંગ સામે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ક્વોરીમાં થતા પ્રચંડ ધડાકા, ઉડતી ધૂળની ડમરીઓ અને જમીનમાં થતા તીવ્ર કંપનને કારણે જાનીપુરા અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતે ગ્રામજનોએ એકઠા થઈને સરપંચ સહિત વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે.
લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો
ગ્રામજનોએ રજૂઆતમાં ભીતિ વ્યક્ત કરી છે કે આ હેવી બ્લાસ્ટિંગના કારણે વિસ્તારના રહેણાંક મકાનો, કિંમતી સરકારી મિલકતો જેવી કે ગામની પાણીની ટાંકી અને શાળાના બિલ્ડિંગમાં ગંભીર તિરાડો પડી શકે તેમ છે. આ ધડાકાઓથી લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે
આ સાથે જ ક્વોરીના કારણે સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર થતી જીવલેણ અસરોની તપાસ કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે જ્યાં સુધી આ સ્થળની સત્તાવાર સરકારી માપણી પૂર્ણ ન થાય, ત્યાં સુધી બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે.
તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ
આ લડાઈને વહીવટી સ્તરે લઈ જવા માટે ઉદલપુર-જાનીપુરાના નાગરિકો દ્વારા ડેસર મામલતદાર, સ્થાનિક પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કલેક્ટર અને એસપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર મોકલી દેવાયું છે. સ્થાનિકોએ ATR સહિત ક્વોરીને મળેલી તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ કરી છે. જો તપાસમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે નિયમોની વિરુદ્ધ જઈને કરાતું બ્લાસ્ટિંગ સાબિત થાય, તો ઓપરેટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ