23

ગુજરાત સરકાર દ્વારા વાઘોડિયા અને હાલોલ વિસ્તારમાં 30 કરોડના ખર્ચે 35 કિમી લાંબી કેનાલનું નવીનીકરણ પૂર્ણ થતાં આજથી નવા નીરની પધરામણી થતા ખેડૂતોએ નીરને વધાવ્યા હતા.

1984માં બનેલી આ કેનાલ જર્જરીત અને અનેક ઠેકાણેથી તૂટી જતાં વર્ષ 2001માં બંધ કરાઈ હતી. કેનાલને ફરીથી ચાલુ કરવા ખેડૂત સંગઠનોએ આંદોલન પણ કર્યા હતા. જે અંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરતા 30 કરોડના ખર્ચે કેનાલનું નવીનીકરણ મંજૂર કરાયું હતું. વર્ષ 2024થી 26 દરમિયાન બે વર્ષના ગાળામાં આ કેનાલનું સમારકામ પૂર્ણ કરાયું હતું. આ કેનાલના સમારકામથી હાલોલ અને વાઘોડિયાના આશરે 4000 હેક્ટર જમીનમાં ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકશે. ચાલુ વર્ષે વરસાદ ખેચાતા ડાંગરના પાક સુકાવાના આરે હોય ખેડૂતોના કૃષિ પાકને દેવ સિંચાઈ કેનાલ શરૂ થતા નવું જીવતદાન મળશે. વાઘોડિયા તાલુકાના 26 અને હાલોલના 19 ગામને ખેત સિંચાઈનો લાભ મળશે. દેવડેમ કેનાલમાં 26 વર્ષ બાદ ફરીથી પાણી શરૂ થતાં ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા હતા. દેવડેમ સિંચાઈના કાર્યપાલ ઇજનેર આર.બી. ચૌહાણ અને નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ પવારે જણાવ્યું હતું કે, કેનાલનું કામ પૂર્ણ કરાયું છે. જોકે બાકી રહેતી અન્ય બ્રાન્ચ કેનાલમાં અગામી ઓક્ટોબર માસથી રાબેતા મુજબ પાણી શરૂ કરાશે. જેનો ફાયદો હાલોલ અને વાઘોડિયા તાલુકાના ખેડૂતો લઈ શકશે. વાઘોડિયાના ગોરજ ખાતે ખેડૂતો એકત્ર થઇને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો