હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો 13 ઓગસ્ટથી મંગલ પ્રારંભ થયો છે. દેવાધિદેવ મહાદેવની આરાધનાના આ પાવન પર્વે ઐતિહાસિક તીર્થધામ ચાંદોદ ખાતે ભક્તોનું અવિરત ઘોડાપૂર ઉમટી પડશે. દક્ષિણ પ્રયાગ તરીકે જાણીતા આ પવિત્ર નગરનો મહિમા શ્રાવણ માસમાં અનેકગણો વધે છે.

ચાંદોદ સંતો, મહંતો અને સિદ્ધપુરુષોની તપોભૂમિ છે. અહીં ખળખળ વહેતો નર્મદાજીનો અસ્ખલિત પ્રવાહ માત્ર ભક્તોના તન જ નહીં, પરંતુ મનને પણ પવિત્ર કરે છે. શ્રાવણ માસમાં વહેલી સવારથી જ હજારો ભાવિકો નર્મદાજીના પવિત્ર જળમાં સ્નાન કરી ધન્યતા અનુભવશે. લોકવાયકા છે કે, શ્રાવણમાસમાં નર્મદા સ્નાન અનેકગણું પુણ્યફ્ળ આપે છે. ચાંદોદને શિવ નગરી કહે છે. કારણ કે, અહીં નગરના દરેક વિસ્તારમાં શિવાલયો છે. આ પૌરાણિક શિવાલયો ભારતીય સંસ્કૃતિ અને તીર્થ મહિમાને ઉજાગર કરે છે. ત્યારે શ્રાવણના માસમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને હર હર મહાદેવ અને નર્મદે હરના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે. ચોમાસાને કારણે હાલ નર્મદા કિનારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. લીલીછમ હરિયાળી અને નર્મદાના જળસ્તરમાં થયેલો વધારો સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. દૂરથી આવતા પર્યટકો નર્મદા નદીમાં બોટિંગ (હોડી સફર)ની મજા પણ માણી શકશે.