પાદરા નગરના મધ્યસ્થ ઝંડા બજાર વિસ્તારમાં વર્ષો જૂનું વાઘેશ્વરી માતાનું મંદિર આજે પણ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. નવરાત્રીની શરૂઆત થતાં જ નગરનાં વિવિધ માતાજીનાં મંદિરોમાં પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારી શરૂ થઈ છે. નવરાત્રી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાય છે.

પ્રાચીન સમયથી આ મંદિરનું ધાર્મિક મહત્ત્વ રહ્યું છે. અગાઉ મંદિરનો વહીવટ મગનલાલ રણછોડદાસ સોનીની જવેલર્સ પેઢીના વડવાઓ દ્વારા સંભાળાતો હતો. સમય જતાં આ મંદિર સોની મંદિર તરીકે ઓળખાવા લાગ્યું હતું. હાલ પાદરા શ્રીમાળી સોની સમાજ અને ટ્રસ્ટ મંડળ દ્વારા મંદિરનો વહીવટ તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરાય છે. દાતાઓ પાસેથી એકત્રિત થયેલા ફ્ંડ અને સમાજના સહયોગથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરના ટ્રસ્ટી મંડળ અને સમાજના સભ્યો દ્વારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે. દરરોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન મંદિરમાં વિશેષ સજાવટ સાથે માતાજીની પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને મહાઆરતીનું આયોજન કરાય છે. ઉપરાંત વર્ષોથી સમાજ દ્વારા અખો નોમનો ધાર્મિક કાર્યક્રમ તથા નવચંડી યજ્ઞનું ભવ્ય કરાય છે. જેમાં પાદરા નગર ઉપરાંત આસપાસનાં ગામોમાંથી પણ હજારો ભાવિક ભક્તો માતાજીનાં દર્શન અને ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બને છે. મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નવરાત્રી ઉપરાંત ચૈત્ર નવરાત્રી તથા અન્ય પર્વ પ્રસંગોએ ચંડીપાઠ, માતાજીની પાદુકા પૂજન અને મહાઆરતીનું આયોજન કરાય છે. દર માસની આઠમ સહિતના વિશેષ દિવસોએ પણ ભક્તો પૂજા-અર્ચના માટે મંદિરે આવે છે. નવરાત્રી દરમિયાન અન્નકૂટ, મહાઆરતી અને આનંદના ગરબા સહિતના કાર્યક્રમો દ્વારા ધાર્મિક માહોલ સર્જાય છે.